વાંકાનેર તાલુકાની અરણીટીંબા ગ્રામ પંચાયતમાં તલાટી સાથે માથાકૂટનો વિડિઓ વાયરલ થતા સમગ્ર મોરબી જિલ્લામાં ટોક ઓફ થઈ ટાઉન બન્યો હતો જેથી વાંકાનેર તલાટી કમ મંત્રી મંડળ રોષ ભેર, આકરા પાણીએ જોવા મળ્યું હતું અને અરજદાર વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
વાંકાનેરના અરણીટીંબા ગામે ગ્રામ પંચાયત કચેરીમાં ગઇકાલે જન્મના અપ્રાપ્ય પ્રમાણપત્ર (ફોર્મ નં.૧૦) કાઢવા બાબતે અરજદાર અને તલાટી વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. આ બનાવમાં અરજદાર નઇમ મુસાએ ફોર્મ નં.૧૦ ની માંગણી કરી હતી, પરંતુ પંચાયતના ૧૯૭૫ના રજીસ્ટરમાં તેમનું નામ ‘નઇમ મહમદ અભરામ હજામ’ તરીકે નોંધાયેલું હોવાથી, ઇન્ચાર્જ તલાટી-કમ-મંત્રી એ. એમ. કાદરીએ નિયમાનુસાર ખોટા નામે પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો હતો, જે મામલે ઘર્ષણ થતાં સમગ્ર બનાવનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ તલાટી કમ મંત્રી મંડળમાં રોષ ફાટી નિકળ્યો હતો જેથી આજરોજ વાંકાનેર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારી, પોલીસ સ્ટેશન તથા તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કે, સરકારી કચેરીઓમાં અધિકારીની પૂર્વ મંજૂરી વિના વિડીયો ગ્રાફી પર પ્રતિબંધ મૂકવામાં આવે અને આ કિસ્સામાં ફરજમાં રૂકાવટ કરનાર અરજદાર તથા તેના મળતીયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.






