મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પેસેન્જરને ઓછા ભાડામાં લઈ જવાના મુદ્દે બોલાચાલી બાદ બે ભાઈઓએ રિક્ષાચાલક યુવક પર ધોકા અને છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને માથામાં ત્રણ ટાંકા તથા નાકના ભાગે ફ્રેકચર જેવી ઈજા થઈ હતી.
મોરબીમાં માળીયા ફાટક પાસે રિક્ષામાં પેસેન્જર બેસાડવાના મુદ્દે રિક્ષાચાલક આશીફભાઈ રજાકભાઈ કોલીયા ઉવ.૨૩ રહે. કાંતિનગર મોરબી-૨ વાળા સાથે આરોપી સલીમભાઈ ગુલામભાઈ કાદર અને હાજીભાઈ ગુલામભાઈ કાદર બન્ને કાંતિનગર મોરબી વાળાએ બોલાચાલી કરી હતી. આરોપી સલીમે ધોકો અને આરોપી હાજીએ છરી લઈ યુવકનો પીછો કરી પુલ પાસે તેને પકડી લીધો હતો. ત્યારબાદ ધોકા-છરીથી હુમલો કરી તેમજ મોઢા પર મુક્કા માર્યા હતા.
હુમલામાં આશીફભાઈને માથાના ભાગે ત્રણ ટાંકા અને નાકના ભાગે ફ્રેકચર જેવી ઈજા થતાં સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે આ બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






