મોરબીના ૭૯ વર્ષીય વૃદ્ધને આંતરી લૂંટ ચલાવનાર ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો ઝડપાયા; રૂ.૬૮ હજારનો મુદ્દામાલ જપ્ત, બે ચોરાઉ બાઈકનો પણ ભેદ ઉકેલાયો.
વાંકાનેર સીટી પોલીસે મોરબીના વૃદ્ધ સાથે થયેલી લૂંટના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ત્રણ બાળ કિશોરોને હસ્તગત કર્યા છે. પોલીસે લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ પરત મેળવવાની સાથે બે ચોરાઉ મોટરસાયકલ પણ કબજે કરી છે. તપાસમાં ત્રણેય કિશોરો ગંભીર પ્રકારના ગુનાઓ કરવાની ટેવ ધરાવતા હોવાનું તેમજ મોરબી અને રાજકોટમાં નોંધાયેલ હત્યા અને લૂંટના ગુનામાં સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે.
વાંકાનેર શહેરમાં ગત ૨૦ જુલાઈના રોજ બપોરે મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા ૭૯ વર્ષીય હરીલાલ નાનજીભાઈ વિડજા વડોદરાથી પરત આવ્યા ત્યારે વાંકાનેર ઉતર્યા હતા. જે બાદ તેઓ બસ સ્ટેન્ડ જવા માટે જીનપરા જકાતનાકાથી દાણાપીઠ તરફ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા ત્રણ બુકાનીધારી શખ્સોએ તેમના હાથમાં રહેલો થેલો માંગ્યો હતો. વૃદ્ધે થેલો આપવાની ના પાડતા ત્રણેયે તેમને ઘેરી લઈ ઝપાઝપી કરી જમીન પર પાડી દીધા હતા અને થેલામાં રહેલા રૂ.૩૦૦૦/- રોકડા, ઓળખકાર્ડ તથા અન્ય દસ્તાવેજો લૂંટી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર પર્વતકુમારી આર. સોલંકીના નેતૃત્વમાં અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. અને ગણતરીના કલાકોમાં જ ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોને હસ્તગત કરવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી લૂંટમાં ગયેલા રૂ.૩,૦૦૦/- રોકડા, એક મોબાઇલ ફોન, બે ચોરાઉ મોટરસાયકલ, ઓળખકાર્ડ અને અન્ય દસ્તાવેજો સહિત કુલ રૂ.૬૮ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તપાસ દરમિયાન ખુલ્યું હતું કે ત્રણેય કિશોરોએ ભાવનગર જીલ્લાના ગારીયાધર તાલુકામાંથી મોટરસાયકલ ચોરી કરી હતી અને તે વાહનનો ઉપયોગ કરીને શહેરોમાં સિનિયર સિટિઝન તથા વેપારીઓની રેકી કરી ઓછી અવરજવરવાળી જગ્યાએ ધાકધમકી આપી લૂંટ ચલાવતા હતા. પોલીસ તપાસમાં વધુમાં સામે આવ્યું કે હસ્તગત કરાયેલા ત્રણમાંથી એક કિશોર સામે અગાઉ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે, જ્યારે અન્ય બે કિશોરો સામે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયેલ છે. હાલ વાંકાનેર સીટી પોલીસે અસરકારક તપાસ કરીને લૂંટનો ગુનો ઉકેલી મહત્વની સફળતા મેળવી છે.
આ સફળ કામગીરીમાં પર્વતકુમારી આર.સોલંકી પ્રો.પોલીસ ઇન્સ્પેકટર તથા પીએસઆઇ વી.કે.મહેશ્વરી તથા કે.એચ.ભોચીયા તેમજ એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, ફુલીબેન તરાર, પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ રાણીંગભાઇ ખવડ, હિતેન્દ્રસિંહ ઝાલા, દર્શીતભાઇ વ્યાસ, ભરતભાઇ મકવાણા, જગદિશભાઇ રંગપરા સહિતની ટીમ જોડાયેલી હતી.






