ઘરમાં ઘૂસી લાકડાના ધોકાથી મારપીટ, કુલ ચાર સભ્યોને ફ્રેક્ચર સહિતની ઇજાઓ.
હળવદ તાલુકાના રાયસંગપર ગામે યુવક દ્વારા કૌટુંબિક ભાઈના સાળાની દીકરી ભગાડી જવાનો ખાર રાખી, કૌટુંબિક ભાઈના પરિવાર દ્વારા ઘરમાં ઘુસી યુવકના માતા-પિતા ભાઈ તથા ભત્રીજીને બેફામ માર મારવામાં આવ્યો હોવાના બનાવમાં ઇજાગ્રસ્તોને હળવદ બાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. હાલ સમગ્ર બનાવ મામલે ત્રણ મહિલા સહિત ૭ લોકો સામે હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના રાયસંગપર ગામે પારિવારિક વિવાદમાં હિંસક હુમલાનો બનાવ બન્યો હતો, જેમાં રાયસંગપર ગામે રહેતા મહેશભાઈ દ્વારા કૌટુંબિક ભાઈ ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ ડાભીના સાળાની દીકરીને ભગાડી ગયો હોય જે અંગેનો ખાર રાખી આરોપી ઘનશ્યામભાઇ સહિતના પરિવારના સભ્યોએ મહેશભાઈના ઘરે ઘૂસી મારપીટ કરી હતી. જેમાં ગત તા.૨ મેની રાત્રે આરોપી ઘનશ્યામભાઈ ડાભી ફરીયાદીના ઘરે આવી ગાળો બોલી ધમકી આપતા ઝઘડો શરૂ થયો હતો. જે બાદ આરોપી ઘનશ્યામભાઈની પત્ની જોસનાબેન, માતા-પિતા કડવીબેન વિઠ્ઠલભાઇ, બે ભાઈ જશવંતભાઈ અને વિનોદભાઈ, ભાભી જયશ્રીબેન સહિતના આરોપીઓએ મહેશભાઈના માતા-પિતા અને ભાઈ તેમજ ભત્રીજીને લાકડાના ધોકા તેમજ ઢીકાપાટુ વડે બેફામ માર માર્યો હતો. આ હુમલામાં ફરીયાદીની માતાને પગમાં ફ્રેક્ચર, પિતાને ખંભામાં ઇજા તથા ભાઈને નાકમાં ફ્રેક્ચર અને માથામાં ઇજા પહોંચી હતી. તેમજ ભત્રીજીને વાળ પકડી ઢસડતા તેને પણ મૂંઢ ઇજા પહોંચી હતી.
ત્યારે તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે મહેશભાઈના બેન શોભનાબેન મુકેશભાઈ ઉચાણા રહે.સાસરું દેવળીયા હાલ રાયસંગપર તા.હળવદ વાળાની ફરિયાદના આધારે હળવદ પોલીસે ત્રણ મહિલા સહિત ૭ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





