દેવપુરના પાટીયા નજીક પુરઝડપે દોડતી એસટી બસે પાછળથી ટ્રેક્ટરને અડફેટે લેતા ખેડૂતનું કમકમાટીભર્યું મોત, એસટી બસના ચાલકોની બેદરકારી સામે ફરી ઉઠ્યા સવાલ.
હળવદ તાલુકાના દેવપુર ગામના પાટિયા નજીક વધુ એક ગંભીર અકસ્માતમાં એસટી બસના ચાલકની બેદરકારી સામે આવી છે. પુરઝડપે દોડતી એસટી બસે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું અને ખેડૂત શૈલેષભાઈ સોનગ્રાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મોતના બનાવને લઈને આરોપી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એસટી બસ ચાલકોની બેફામ ડ્રાઈવિંગને લઈને અનેક ફરિયાદો ઉઠી રહી છે. માર્ગો પર પુરઝડપે અને ગફલતભરી રીતે બસ હંકારાતા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
હળવદ તાલુકાના દેવપુર પાટિયા નજીક શુક્રવારે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ખેડૂતનું મોત થતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના ચરાડવા ગામના શૈલેષભાઈ માવજીભાઈ સોનગ્રા ગત તા.૨૨/૦૫ના રોજ ટ્રેક્ટર જીજે-૩૬-એજે-૨૭૭૯ લઈને ગામથી આગળ દેવપુરના પાટીયા પાસે આવેલ પેટ્રોલ પંપ પરથી ડીઝલ ભરાવી પરત ફરી રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી એસટી બસ નંબર જીજે-૦૭-ટીયુ-૫૮૪૪ના ચાલકે બેદરકારી અને પુરઝડપે બસ હંકારી ટ્રેક્ટરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેક્ટર પલ્ટી મારી ગયું અને શૈલેષભાઈને માથા તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરે જોઈ તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા. હાલ મૃતકના પત્ની સરસ્વતીબેન શૈલેષભાઇ સોનગ્રાની ફરિયાદને લઈને હળવદ પોલીસે આરોપી એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






