ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર આરોપીને પૂર્વ બાતમીને આધારે રાજસ્થાનના સાંચોરથી દબોચી લેવામાં આવ્યો હતો. આ સાથે આગળની કાર્યવાહી સબબ પકડાયેલ આરોપીને ટંકારા પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા તથા ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન, ટંકારા પોલીસ સ્ટેશનમાં ગત તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ નોંધાયેલ એનડીપીએસ કેસની ટુક વિગત મુજબ, ટંકારામાં હરિઓમ સોસાયટી વિસ્તારમાંથી મોરબી એસ.ઓ.જી. શાખાએ હાર્દિકભાઈ નરેન્દ્રભાઈ ભાડજાના રહેણાંક મકાનમાંથી નાર્કોટિક્સ માદક પદાર્થ, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૨.૮૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં સહઆરોપી તરીકે રાજસ્થાનના સાંચોર નિવાસી બરકતભાઈ ઉર્ફે ઇરફાન હાજીખાન જેરડીયાનું નામ ખુલ્યું હતું. જે છેલ્લા ચાર મહિનાથી ફરાર આરોપી અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે ટંકારા પોલીસ ટીમ રાજસ્થાનના સાંચોર પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડી જરૂરી પૂછપરછ બાદ કાયદેસરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






