લોન કરાવી અન્યના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી કૌભાંડ આચર્યું, કુલ રૂ.૮૮,૫૦૦/-ની છેતરપીંડી.
મોરબીના વેપારી અને એક અન્ય વ્યક્તિ સાથે ઇન્સ્ટન્ટ લોન કરાવવાના બહાને છેતરપીંડી કરનાર રાજકોટના મહાવીરસિંહ સોલંકી નામના શખ્સ વિરુદ્ધ મોરબી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભેજાબાઝ આરોપીએ આધારકાર્ડ, પાનકાર્ડ અને બેંકની વિગતો મેળવી પીડિતોના નામે લોન લઈ રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત આરોપીએ અનેકો સાથે પણ લોનના બહાને છેતરપિંડી કરી હોવાનું સમાચાર પત્રકના માધ્યમથી જાણવા મળ્યું છે.
મોરબીના ગ્રીન ચોક કંસારા શેરીમાં રહેતા અને નગર દરવાજા મેઈન બજારમાં ગીરીરાજ વાસણની દુકાન ચલાવતા સંજયભાઈ સગુણભાઈ કાગડા ઉવ.૪૨એ આરોપી મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી રહે. લકીપાર્ક શેરી નં.૧ સોમનાથ સોસાયટી રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રાજકોટ વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપી પોતાની ઓળખ બેંકના લોન એજન્ટ તરીકે આપી ઇન્સ્ટન્ટ લોન કરાવવાની વાતો કરી લોકોનો વિશ્વાસ જીતતો હતો. આરોપીએ ગત તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ફરિયાદીની દુકાને આવી ફરિયાદીનો મોબાઈલ લઈને આધારકાર્ડ, પાનકાર્ડ અને બેંક વિગતો મેળવી તેમના નામે રૂ.૬૨ હજાર અને બાદમાં રૂ.૧૧ હજારની લોન કરાવી હતી. જે બાદ આરોપીએ લોન ક્લોઝ થઈ ગયાનું કહ્યું હતું, પરંતુ બાદમાં હપ્તા ભરવાના મેસેજ આવતા સમગ્ર છેતરપીંડી બહાર આવી હતી.
તપાસ દરમિયાન સાહેદ આશનદાસ જીયોભાઈ રબારી નામના અન્ય વ્યક્તિ સાથે પણ ઉપરોક્ત આરોપી મહાવીરસિંહ સોલંકીએ સમાન રીતે છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું હતું. સાહેદ આશનદાસના નામે રૂ.૪૦ હજાર અને જાણ બહાર રૂ.૨૬,૫૦૦/-ની વધુ એક લોન કરવામાં આવી હતી. આરોપીએ થોડા નાણા પરત આપ્યા હોવા છતાં મોટી રકમની લોન ચાલુ રાખી નાણાં પોતાના ઉપયોગમાં લીધેલ હતા. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ ૩૧૮(૪) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






