મોરબી જૂના સાદુળકા ગામની સીમમાં આવેલી તલાવડીમાં ડૂબી જવાથી ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા છે. મૃતકોમાં ૧૧ વર્ષીય બાળક અને તેના કાકાનો પણ સમાવેશ થાય છે. બકરા ચરાવવા ગયેલા ત્રણેય લોકો હાથ-પગ ધોવા અને નાહવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહો શોધી, પાણીની બહાર કાઢ્યા હતા.
મોરબી તાલુકાના જૂના સાદુળકા ગામની સીમમાં લક્ષ્મીનગર પાછળ અને આર્યવ્રત સ્કૂલ પાસે આવેલ ખેત તલાવડીમાં આજે કરુણ બનાવ બન્યો હતો. જેમાં બકરા ચરાવવા ગયેલા ત્રણ લોકો તલાવડીમાં ડૂબી જતા તેમના મોત નિપજ્યા હતા, જેને લઈ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, મૃતકો સવારે બકરા ચરાવવા માટે ખેત વિસ્તારમાં ગયા હતા. ત્યારે બપોરના સમયે તેઓ તલાવડી પાસે હાથ-પગ ધોવા તેમજ નાહવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન કોઈ કારણોસર ત્રણેય લોકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ ત્રણેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં હાથાભાઈ પૂંજાભાઈ રાતડીયા ઉવ.૨૮ રહે. લક્ષ્મીનગર, જયદેવ સોડાભાઈ રાતડીયા ઉવ.૧૧ અને કારૂભાઈ ગીગાભાઈ વહેરા ઉવ.૩૧ રહે. ધરમપુર વાળા તરીકે ઓળખ થઈ હતી. આ કરુણ ઘટનાથી લક્ષ્મીનગર અને ધરમપુર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.






