Friday, September 25, 2026
HomeGujaratમોરબીના જુના સાદુળકા નજીક મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના, એક યુવાનનો...

મોરબીના જુના સાદુળકા નજીક મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના, એક યુવાનનો મૃતદેહ મળ્યો

ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા હતા: બેનો બચાવ, વિલાસ ગાયકવાડનો મૃતદેહ ફાયર ટીમે લાંબી શોધખોળ બાદ બહાર કાઢ્યો, વધુ એક યુવાનની શોધખોળ ચાલુ.

- Advertisement -
- Advertisement -

મોરબીના જુના સાદુળકા નજીક મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. જેમાં બે યુવાનોનો બચાવ થયો હતો, જ્યારે સોહન કુલડિયા અને વિલાસ ગાયકવાડ પાણીમાં લાપતા બન્યા હતા. ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે લાંબી શોધખોળ બાદ વિલાસ ગાયકવાડનો મૃતદેહ બહાર કાઢ્યો છે, જ્યારે સોહન કુલડિયાની શોધખોળ હજુ ચાલુ છે.

મોરબીના જુના સાદુળકા નજીક મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટના બની હતી. નવી પીપળીના શાંતિનગર સોસાયટીના રહીશો ગણપતિ વિસર્જન માટે મચ્છુ નદી પાસે ગયા હતા. દરમિયાન સાંજે આશરે ૭ વાગ્યાના અરસામાં ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. ઘટનામાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ નવી પીપળી ખાતે રહેતા ૨૫ વર્ષીય આકાશ માલિયાનો બચાવ થયો હતો. તેમજ મૂળ મહારાષ્ટ્રના અને હાલ નવી પીપળી ખાતે રહેતા ૩૦ વર્ષીય આકાશ ગજાનંદભાઈ ખરાત પણ ડૂબતા યુવાનોને બચાવવા પાણીમાં પડ્યા બાદ સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા.

જ્યારે ૨૮ વર્ષીય સોહન કુલડિયા પાણીમાં ડૂબી જતાં લાપતા બન્યા હતા. ઉપરાંત ડૂબતા યુવાનોને બચાવવા પાણીમાં પડેલા ૩૫ વર્ષીય વિલાસ સુભાષભાઈ ગાયકવાડ પણ લાપતા બન્યા હતા. ફાયર શાખાની રેસ્ક્યુ ટીમ દ્વારા લાંબી શોધખોળ હાથ ધરવામાં આવતા વિલાસ ગાયકવાડનો મૃતદેહ પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ વધુ એક લાપતા યુવાન સોહન કુલડિયાની શોધખોળ ફાયર વિભાગની ટીમ દ્વારા ચાલુ રાખવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં જુના સાદુળકા ગામના સરપંચ રાજભા ઝાલા સહિત સ્થાનિકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફાયર વિભાગની ટીમ સાથે શોધખોળમાં જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!