એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટ ભવાની સોડાવાળી શેરીમાં દરોડો પાડ્યો: ત્રીજો આરોપી ફરાર.
મોરબીમાં મહિલા બિગ બેશ લીગની ક્રિકેટ મેચમાં હારજીત અને રનફેર પર રૂપિયાની હારજીતનો સટ્ટો રમતા બે શખ્સોને એ-ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે રોકડ અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩૫,૮૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યા હતા. જ્યારે સામા છેડે મોબાઇલમાં રનફેરનો જુગાર રમી રહેલ અન્ય એક આરોપી હાજર નહિ મળી આવતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કાલિકા પ્લોટ ભવાની સોડાવાળી શેરીમાં મહિલા બિગ બેશ લીગની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા, જ્યાં યુનુસભાઈ કાસમભાઈ દલવાણી ઉવ.૪૯ અને ઇમ્તિયાઝ ઉર્ફે બાલો અબ્દુલભાઈ ચાનીયા ઉવ.૩૩ બંને રહે. કાલિકાપ્લોટ મોરબી મળી આવ્યા હતા.
પોલીસ તપાસમાં આરોપી યુનુસભાઈ મોબાઇલમાં CREX એપ્લિકેશન મારફતે WBBL-૨૦૨૬ની SYD-W અને MLS-W વચ્ચેની મેચનો લાઇવ સ્કોર જોઈ રનફેર પર સટ્ટાના સોદા લેતો હોવાનું અને આરોપી ઇમ્તિયાઝ તેની સાથે જુગાર રમવા આવ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે બંને પાસેથી રોકડ રૂ.૮૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૩૫,૦૦૦/- મળી કુલ રૂ.૩૫,૮૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત, અન્ય આરોપી ફિરોજ માજોઠી રહે.મોરબી નામનો અન્ય એક શખ્સ પણ તેમની સાથે ક્રિકેટ સટ્ટામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું, જે દરોડા દરમિયાન સ્થળ પર મળી આવ્યો નહોતો. હાલ સમગ્ર મામલે પોલીસે ત્રણેય વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






