મોરબી તાલુકા પોલીસે દારૂના ગુનાઓમાં સંડોવાયેલા અલગ અલગ બે ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેમની અટકાયત કરી જુનાગઢ અને અમદાવાદ સાબરમતી જેલ હવાલે કર્યા છે. હાલ ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ કાર્યવાહી હાથ ધરાઈ છે.
મોરબી સહિત આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ અને ભયમુક્ત માહોલમાં મતદાન યોજાય તે માટે મોરબી તાલુકા પોલીસે દારૂના ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસવડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પાસા હેઠળ દરખાસ્તો તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી.
જેના આધારે જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બે આરોપીઓ જેમાં મહમદફીરદોશભાઈ મુનાફભાઈ જુણેજા રહે. ચંદ્રપુર હુસૈની ચોક વિસ્તાર વાંકાનેર તથા આરોપી રવીભાઈ રમેશભાઈ વરાણીયા રહે. ત્રાજપર મોરબી વાળા સામે પાસા વોરંટ જારી કરવામાં આવ્યા હતા. આ વોરંટના આધારે પોલીસ દ્વારા સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી બંને આરોપીઓને અલગ-અલગ સમયે ઝડપી લઈ જુનાગઢ જીલ્લા જેલ અને અમદાવાદ ખાતે સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.









