મોરબી શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને હવે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં “નો-પાર્કિંગ” ઝોનમાં ઊભા રાખવામાં આવેલા વાહનો સામે ટોઇંગ કાર્યવાહીનો શુભારંભ કરવામાં આવ્યો છે.
મોરબી ઔદ્યોગિક નગરી હોવાને કારણે અહીં વાહન વ્યવહાર સતત વધી રહ્યો છે. સાકડા રસ્તાઓ અને બહારના રાજ્યોમાંથી આવેલા કામદારોની વધતી સંખ્યાને કારણે ટ્રાફિક પર ભાર વધ્યો છે. આ વચ્ચે ઘણા વાહનચાલકો જાહેરનામાનું પાલન કર્યા વિના રોડ પર આડેધડ પાર્કિંગ કરતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી હતી. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા રાજકોટ રેન્જના અધિકારીઓની સૂચના મુજબ અને મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તા.૨ મે ૨૦૨૬થી ટોઇંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે શહેરમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર માટે અલગ-અલગ ટોઇંગ વાહનો તૈનાત કરવામાં આવ્યા છે, જે નિયમભંગ કરનારા વાહનોને ઊંચકી કાયદેસરની કાર્યવાહી કરશે. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે. સાથે સાથે મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ટ્રાફિક નિયમોનું પાલન કરવું, જાહેરનામાનું કડક પાલન કરવું, નો-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક ન કરવું, વાહનમાં કાળા કાચ (ડાર્ક ફિલ્મ) નો ઉપયોગ ન કરવો. તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આ કાર્યવાહી સતત ચાલુ રહેશે. તેમ પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે.





