મોરબી તાલુકા અને ટંકારા પોલીસની અલગ-અલગ કાર્યવાહીમાં ઘરફોડ તથા વાહનચોરી અને વિદેશી દારૂના ગુનામાં છેલ્લા છથી સાત માસથી નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ સામે અગાઉ નોંધાયેલા ગુનાઓમાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઘરફોડ તથા વાહનચોરી અને મોરબી સીટી એ ડિવિઝનના વાહનચોરીના ગુનામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો કમલસિંગ ઉર્ફે ભાયો કેલસિંગ અલાવ ઉવ.૩૪ રહે.બોગાલી નરવાલી તા. ફકસી થાના ટાડા જી. ધાર મધ્યપ્રદેશ વાળાને મોરબીના બરવાળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી ઉપરાંત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તથા મોરબી સીટી એ ડિવિઝનમાં વાહનચોરીના ગુનાઓમાં પણ તેની ધરપકડ બાકી હતી.
જ્યારે ટંકારા તાલુકાના છતર જી.આઇ.ડી.સી.માં ગત તા.૧૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો હતો. આ ગુનામાં છેલ્લા સાત માસથી નાસતો ફરતો આરોપી નીતીનભાઇ વિનુભાઇ વાઘેલા ઉવ.૩૩ રહે. ન્યુ સર્વોદય સોસાયટી શેરી નં.૫ નવા થોરાળા તા.જી. રાજકોટ વાળાને રાજકોટ ખાતે હોવાની બાતમી મળતાં ટંકારા પોલીસની ટીમે તેને ઝડપી પાડી અટક કરી રિમાન્ડ મેળવવા સહિતની આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






