CEIR પોર્ટલની મદદથી ૩૬ ખોવાયેલા મોબાઇલ અને રિક્ષામાં ભૂલાયેલ રૂ.૯૬ હજારની રોકડ શોધી કાઢી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ટેકનિકલ સર્વેલન્સ અને CEIR પોર્ટલની મદદથી રૂ.૧૦.૩૧ લાખની કિંમતના ૩૬ ખોવાયેલા મોબાઇલ તથા રિક્ષામાં ભૂલાયેલ રૂ.૯૬ હજારની રોકડ મળી કુલ રૂ.૧૧.૨૭ લાખનો મુદ્દામાલ અરજદારોને એકસાથે પોલીસ મથક બોલાવી પરત કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વાય.બી. જાડેજા અને પીએસઆઇ જે.સી. ગોહિલના સુપરવિઝન હેઠળ ખોવાયેલા તથા ચોરાયેલા મોબાઇલ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સર્વેલન્સ ટીમના પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા તથા રવીભાઈ ધરમશીભાઈ પટેલે CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનિટરિંગ અને ટેકનિકલ વર્કઆઉટ દ્વારા કુલ ૩૬ મોબાઇલ કિ.રૂ.૧૦,૩૧,૦૦૦/-શોધી કાઢ્યા હતા. ઉપરાંત સીએનજી રિક્ષામાં ભૂલાયેલ રૂ.૯૬,૦૦૦/-ની રોકડ પણ નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી શોધી કાઢવામાં આવી હતી. ત્યારે આ કિ.રૂ.૧૧,૨૭,૦૦૦/-નો મુદ્દામાલ અરજદારોને પરત કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે “પોલીસ પ્રજાની મિત્ર છે” તે સૂત્રને સાર્થક કર્યું હતું.






