વાંકાનેર તાલુકાના દિઘલીયા(દલડી) ગામે ગંગોત્રી સ્ટોનમાં ખાટલા પર સુતા યુવક પર રિવર્સ આવતું ડમ્પર ફરી વળતા યુવકનું ગંભીર ઇજાઓ પહોચતા મોત નિપજ્યું હતું. અકસ્માત મામલે મૃતકના પિતરાઈની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
વાંકાનેર તાલુકાના દિઘલીયા(દલડી) ગામની સીમમાં ગંગોત્રી સ્ટોન ખાતે બનેલી આ દુર્ઘટનામાં, ફરિયાદી રાહુલ કાળુભાઈ મોહનિયા ઉવ.૨૨ રહે. હાલ ગંગોત્રી સ્ટોન દિઘલીયા(દલડી) તા. વાંકાનેર મૂળ કાંટુ ગામ તા.ધાનપુર જી. દાહોદ વાળાએ ડમ્પર રજી.નં. જીજે-૧૩-એડબલ્યુ-૭૫૨૦ના ચાલક આરોપી સુનિલ જયપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈકાલ તા.૦૫/૦૫ના રોજ તેમના પિતરાઈ ભાઈ ગંગોત્રી સ્ટોન ખાતે ખાટલા પર સુતા હતા ત્યારે ઉપરોક્ત ડમ્પરના ચાલકે બેદરકારીપૂર્વક પાછળ જોયા વગર ડમ્પર રિવર્સ લીધું હતું. ત્યારે ડમ્પર સીધું જ ખાટલા ઉપર સુતેલ યુવક ઉપર ફરી વળતાં તેને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે દમલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





