વાંકાનેર તાલુકાના કણકોટ સ્થિત કોન્ફીડન્સ પેટ્રોલીયમ એલપીજી પ્લાન્ટમાં ૯૨ ટનથી વધુનો ગેસનો જથ્થો બારોબાર વેચી રૂ.૧.૫૨ કરોડનો ગોટાળો કર્યાનો પર્દાફાશ થયો છે. ત્યારે આ મામલે પ્લાન્ટ ઇન્ચાર્જ અને ઓપરેટર સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકાના કણકોટ ગામે આવેલ કોન્ફીડન્સ પેટ્રોલીયમ ઇન્ડિયા લિમિટેડના એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં કંપની સાથે વિશ્વાસઘાતનો મામલો સામે આવ્યો છે. જે મામલે ફરિયાદી શુભાંગસિંગ બિજેન્દ્રપાલ સિંગ ઉવ.૪૨ રહે નાગપુર મહારાષ્ટ્ર વાળાની ફરિયાદ મુજબ, પ્લાન્ટ ઇન્ચાર્જ સુરેશકુમાર મેઘવાલ અને પ્લાન્ટ ઓપરેટર ઇલ્યાસ પરાસરાએ મળીને કંપની દ્વારા મોકલાયેલ ૯૨ ટન ૬૫૬ કિલો એલપીજી ગેસનો જથ્થો કંપનીની જાણ બહાર ગેરરીતી આચરી બરોબર વેચી નાખ્યો હતો. આ ગેસની કુલ કિંમત અંદાજે રૂ.૧,૫૨,૮૮,૨૪૦/-થાય છે, જે રકમ કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી નહોતી અને અંગત ઉપયોગમાં લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





