મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન અને ખનીજના પરિવહન સામે કડક કાર્યવાહી હાથ ધરી કુલ રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એમ. એન. પટેલ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ. એચ. સારડા દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહન કરતા ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.જેના અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. વી. ઘેલા તથા પોલીસ ઇન્સ્પેક્ટર બી. વી. પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને ઓળ ગામની સીમ વિસ્તારમાં લીઝ વિના માટીનું ગેરકાયદેસર ખનન થતું હોવાની માહિતી મળી હતી. માહિતીના આધારે સ્થળ પર તપાસ કરતાં ખોદકામમાં ઉપયોગમાં લેવાતું SANY કંપનીનું હાઇડ્રોલિક ક્રોલર એક્સકાવેટર મશીન મળી આવ્યું હતું.
આ અંગે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મશીન કબ્જે લીધું હતું. ઉપરાંત સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનીજનું પરિવહન કરતા ત્રણ ડમ્પર ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ખાણ અને ખનીજ વિભાગને જાણ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ દરમિયાન પોલીસે ટાટા કંપનીનું ડમ્પર નં. GJ-10-TY-8381 – કિંમત રૂ. 25 લાખ ,અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર નં. GJ-03-CU-1991 – કિંમત રૂ. 30 લાખ અને અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર નં. GJ-03-BZ-0054 – કિંમત રૂ. 25 લાખ તેમજ SANY કંપનીનું હાઇડ્રોલિક ક્રોલર એક્સકાવેટર મશીન – કિંમત રૂ. 30 લાખ મળી કુલ રૂ. 1,10,00,000 (એક કરોડ દસ લાખ)નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી. વી. પટેલ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. વી. ઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. વી. ખાંભલા તથા સર્વેલન્સ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.






