માતાના મઢથી પરત ફરતા મોટરસાઇકલને પાછળથી બોલેરોની ટક્કરમાં બે વ્યક્તિને ઈજા, મૃતકનાં બે સંતાન માતા વિહોણાં બન્યાં
હળવદ-માળીયા હાઈવે પર દેવળીયા ગામ નજીક બોલેરો ચાલકે મોટરસાઇકલને પાછળથી ટક્કર મારતાં ૩૪ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક અને નાની દીકરીને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત બાદ બોલેરો મૂકીને ચાલક ફરાર થઈ જતા પોલીસે મૃતક મહિલાના પતિની ફરિયાદના આધારે આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના મટોડા ગામના રોહિતભાઈ બાબુભાઇ ચૌહાણ પરિવારજનો સાથે આશાપુરા માતાના મઢનાં દર્શન કરીને મોટરસાઇકલના સંઘ સાથે પરત ફરી રહ્યા હતા. ત્યારે ગત તા. ૮ ઓક્ટોબરના રોજ સવારે આશરે નવ વાગ્યે હળવદ તાલુકાના દેવળીયા ગામ નજીક માળીયા-હળવદ હાઈવે પર બોલેરો રજી.નં. જીજે-૧૧-વીવી-૬૬૮૨ ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી પોતાનું વાહન ચલાવી ધનાભાઈ રમણભાઈ ચૌહાણના મોટરસાઇકલ રજી.નં. જીજે-૩૮-એટી-૩૩૫૧ ને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં મોટરસાઇકલ પાછળ બેઠેલાં ફરિયાદી રોહિતભાઈનાં પત્ની જાગૃતિબેનને માથામાં ગંભીર ઈજા થતાં જેતપર સરકારી હોસ્પિટલ લાવતા જ્યાં તબીબે જોઈ તપાસી તેઓને મૃત જાહેર કરતા મૃતક જાગૃતિબેનનાં સાત વર્ષીય દીકરી અને પાંચ વર્ષીય દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી હતી.
જ્યારે મોટરસાય ચાલક ધનાભાઈને માથામાં ઈજા થઈ હતી, જ્યારે મિતલબેન મકવાણાને ગંભીર ઈજા સાથે પગમાં ફ્રેક્ચર થયું હતું. અકસ્માત બાદ ચાલક બોલેરો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકીને નાસી ગયો હતો. સમગ્ર બનાવ અંગે રોહિતભાઈ ચૌહાણની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી બોલેરો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






