મોરબીમાં નવાગામ-લીલાપર રોડ પર આજવીટો કંપની સામે રોડ ક્રોસ કરી રહેલા ૭ વર્ષના માસૂમ બાળકને પુરઝડપે અને બેદરકારીથી આવતી ફોરવ્હીલ ગાડીએ હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે બાળકને સારવારમાં હોસ્પિટલ ખસેડતા જ્યાં ફરજ ઉપર હાજર તબીબે જોઈ તપાસી બાળકને મૃત જાહેર કર્યો હતો. હાલ મૃતકના પિતાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ફોરવ્હીલ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
મોરબી તાલુકાના નવાગામ-લીલાપર રોડ પર ગત તા. ૨૭ ઓગસ્ટના સાંજના સમયે ૭ વર્ષીય અલ્પેશભાઈ રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન ફોરવ્હીલ વાહન નં. જીજે-૩૬-એએલ-૬૧૨૨ના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી બાળકને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં અલ્પેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ સહિત શરીરે ઈજાઓ થતાં તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે મૃતકના પિતા તોફાનભાઈ ઘુમસીંહ ભુરીયા રહે.નવાગામ રોડ સોમનાથ પેપરમીલની લેબર કોલોનીમા તા.જી.મોરબી મૂળ રહે.ગામ-નાગનખેડી તા.રાણાપુ૨ જી. જાંબુઆ(મધ્યપ્રદેશ) વાળાની ફરિયાદના આધારે પોલીસે ફોરવ્હીલ ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






