મોરબી જિલ્લામાં અપમૃત્યુના બે બનાવ સામે આવ્યા છે જેમાં વાંકાનેરના ચંદ્રપુર નજીક રોડ ક્રોસ કરી રહેલ વૃદ્ધને કરે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે જ્યારે તાવની બીમારીમાં આંચકી ઉપડતા યુવાનનું મોત થયું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર માર્કેટીંગ યાર્ડ નજીક બસ સ્ટેન્ડ સામેથી સવશીભાઈ ભલાભાઈ ઘણાંદીયા (ઉ.વ.૭૨) પગપાળા રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન ફોરવીલ નં.GJ-12-DS-3109ના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બેફામ સ્પીડે આવતી કારની ઠોકરે ઘવાયેલા વૃદ્ધને માથાના પાછળના ભાગે, પગે અને ડાબા હાથે ખભા પાસે ગંભીર ઇજા પહોંચી હતી.જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે મૃતકના પુત્ર રમેશભાઈ સવશીભાઈ ઘણાંદીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે કાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના અન્ય એક બનાવમાં મોરબીના સીરામીક રંગપર રોડ પર રહેતા સનાતન માધવ નામના 40 વર્ષીય યુવાનને તાવની બીમારીને પગલે આંચકી ઉપડી હતી. આ આંચકી જીવલેણ સાબિત થતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.