હળવદમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક આધેડનું મોત નીપજ્યું છે. હળવદ માર્કેટીંગ યાર્ડ સામે આવેલ નવજીવન વિકલાંગ આશ્રમ પાસે હાઇવે રોડ પર પુરપાટ ઝડપે જતી કારે મોટરસાઈકલને હડફેટે લેતા મોટરસાઈકલ ચાલક આધેડનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતકનાં પુત્ર દ્વારા કાર ચાલક વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ જી.આઇ.ડી.સી. પાછળ રહેતા મેહુલભાઇ વિહાભાઇ સરૈયાનાં પિતા વિહાભાઇ સરૈયા ગત તા.૧૩/૧૨/૨૦૨૩નાં સાંજના સમયે પોતાની GJ-18-AS-0749 નંબરની મોટરસાઈકલ લઈ જઈ રહ્યા હોય ત્યારે GJ-19-AA-0090 નંબરનાં ચેવરોલોટ કંપનીની ક્રુઝ ગાડીના ચાલકે પોતાના હવાલવાળી કાર પુરપાટ ઝડપે ચલાવી હળવદ માર્કેટીંગ યાર્ડ સામે આવેલ નવજીવન વિકલાંગ આશ્રમ પાસે હાઇવે રોડ પર આધેડની મોટરસાઈકલને પાછળથી ઠોકર મારી પાડી દઇને આધેડને માથાના ભાગે તથા ડાબા હાથે તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે કાર ચાલક વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં મૃતકનાં પુત્ર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.