રોડ સાઈડમાં ઊભેલા બાઈકને ટ્રેક્ટરે હડફેટે લેતાં અકસ્માત.
ટંકારા-ખીજડીયા રોડ પર પેશાબ કરવા ઊભેલા પિતા-પુત્રના બાઈકને પૂરઝડપે આવેલા અજાણ્યા પીળા ટ્રેક્ટરે પાછળથી ટક્કર મારતાં પુત્રને ડાબા હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.
ટંકારાના ખીજડીયા રોડ પર રહેતા મનોજભાઈ ઉર્ફે મુન્નાભાઈ મનુભાઈ વાળા ઉવ.૩૬ ગત તા.૨૨/૧૧ના રોજ સાંજના સમયે તેમના પુત્ર મયુર સાથે સ્પ્લેન્ડર બાઈક રજી.ન. જીજે-૧૩-એજે-૨૯૨૦ ઉપર ઘરે જતા હતા ત્યારે ખીજડીયા રોડ પુલથી આશરે ૫૦૦ મીટર આગળ રસ્તાની બાજુમાં ઊભા હતા. દરમિયાન ટંકારા તરફથી આવેલા અજાણ્યા પીળા ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતાં મયુરને ડાબા હાથમાં ફ્રેક્ચર અને પગમાં સામાન્ય ઇજા થઈ હતી. હાલ અકસ્માતના મામલે ટંકારા પોલીસે અજાણ્યા ટ્રેક્ટરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.






