મોરબીના આશાપાર્ક સોસાયટીમાં રહેતા વેપારી પરિવાર સાથે તાજેતરમાં ખરીદ કરેલ કેરાળી ગામની સર્વે નંબર-૦૯ની જમીન જોવા ગયા હતા ત્યારે બે શખ્સોએ આવી જમીન ખાલી કરવા દબાણ કર્યું હતું. આ જમીન પચાવી પાડવાની છે તેમ વાત કરી લાકડાના ધોકા બતાવી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે વેપારી દ્વારા પોલુસની બોલાવતા તમામ શખ્સો ભાગી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના આશાપાર્ક સોસાયટી સર્કિટ હાઉસ પાસે રહેતા ભગીરથસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ ઉવ.૩૩એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પિતાએ ગત તા.૦૭/૦૪/૨૦૨૬ના રોજ કેરાળી ગામના બીજલભાઈ હમીરભાઈ ગમારા પાસેથી સર્વે નંબર-૦૯ની જમીન ખરીદી હતી. ત્યારે ગત તા.૨૩/૧૧ના રોજ તેઓ પત્ની, ભાઈ અને બાળકો સાથે જમીન જોવા ગયા હતા ત્યારે કેરાળી ગામના અરજણભાઈ લક્ષમણભાઈ ચાવડીયા અને નવઘણભાઈ રાજુભાઈ ચાવડીયા ત્યાં આવ્યા હતા. બંનેએ જમીન ખાલી કરવા દબાણ કરી ગાળો આપી હતી અને જમીન પર કબજો કરવાનો હોવાનું કહી લાકડાના ધોકા બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આશરે દસ અજાણ્યા શખ્સોને પણ બોલાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પરિવાર સાથે હોવાથી ફરિયાદીએ ૧૧૨ હેલ્પલાઇનમાં ફોન કરતાં પોલીસ પહોંચતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. હાલ આ અંગે મોરબી તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા જીપી એક્ટની કલમ હેઠળ બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.






