મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ: ૧૬૫ નાયબ મામલતદારોને બઢતી, ૩૭ મામલતદારોની જિલ્લા ફેર બદલી
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અને વહીવટી નિયંત્રણ હેઠળ મોટા પાયે બદલી અને બઢતીના હુકમો કરવામાં આવ્યા છે. આ આદેશ અનુસાર રાજ્યના ૧૬૫ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપીને બદલી કરવામાં આવી છે, જ્યારે ૩૭ જેટલા કાર્યરત મામલતદારોની જિલ્લા ફેર બદલી કરવામાં આવી છે. આ ફેરબદલમાં મોરબી જિલ્લાના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
મોરબી જિલ્લામાં જમીન શાખામાં લાંબો સમય ફરજ બજાવી ચુકેલા અને હાલ ટંકારા ખાતે ‘આર.એ.કે.’ (RAK) તરીકે કાર્યરત નિખિલકુમાર આર. જોષીની મામલતદાર તરીકે બઢતી સાથે સુરેન્દ્રનગર ખાતે ચિટનિશ તરીકે બદલી કરવામાં આવી છે.
નિખિલકુમાર જોષી મોરબીમાં કાયદાના તજજ્ઞ અને નાગરિકોના પ્રશ્નો પ્રત્યેની ચિવટ માટે જાણીતા છે. ખાસ કરીને મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટના વખતે ભોગ બનનાર પરિવારો માટે સરકારના ઈમર્જન્સી આદેશો અને નામદાર કોર્ટની સૂચનાઓના અમલીકરણમાં તેમણે અત્યંત મહત્વની અને સંવેદનશીલ ભૂમિકા ભજવી હતી. તેમની આ કામગીરીની વહીવટી સ્તરે નોંધ લેવામાં આવી છે.
હળવદ મામલતદારની પણ બદલી જિલ્લા ફેર બદલીના આ રાઉન્ડમાં હળવદ ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા અલકેશ પી. ભટ્ટની પણ બદલી કરવામાં આવી છે. તેમને ભાવનગર જિલ્લાના જેસર ખાતે મામલતદાર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.









