મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપરા વિસ્તારમાં રૂ.૯.૩૭ કરોડના ખર્ચે નવી DI-K7 પાણી પાઇપલાઇન નેટવર્ક સ્થાપવાની કામગીરી હાથ ધરાઈ છે. પ્રાથમિક તબક્કામાં ૩૫,૩૧૧ મીટરમાંથી ૧૦ હજાર મીટર પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ થયું છે, જેનાથી વીસીપરા, અમરેલી મેઇન રોડ અને વિજયનગર મેઇન રોડ વિસ્તારમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે.
મોરબી મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા વીસીપરા અને આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠાની સમસ્યા દૂર કરવા માટે વિગતવાર સર્વે કરી DPR તૈયાર કરવામાં આવ્યો હતો. સરકાર તરફથી રૂ.૯.૩૭ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ આ મહત્વપૂર્ણ યોજના અમલમાં મુકાઈ છે. આ યોજનાનો મુખ્ય હેતુ સમગ્ર વીસીપરા વિસ્તારમાં પૂરતા પ્રેશર સાથે અને સમાન પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનો છે. હાલના જૂના DI/PVC નેટવર્કને બદલીને નવી DI-K7 પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. કુલ ૩૫,૩૧૧ મીટર લંબાઈ ધરાવતા નેટવર્કમાંથી ૧૦ હજાર મીટર કામ પૂર્ણ થયું છે.
વિતરણ નેટવર્કને વિશીપરા મેઇન રોડ, અમરેલી મેઇન રોડ અને વિજયનગર મેઇન રોડ એમ ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. ૨૦૨૬ની અંદાજિત ૨૦,૧૬૧ વસ્તીને ધ્યાનમાં રાખીને ટકાઉ અને ભવિષ્યલક્ષી નેટવર્ક ઉભું કરવામાં આવી રહ્યું છે. નવા વાલ્વ અને વિતરણ વ્યવસ્થા દ્વારા પાણીનો નિયમિત અને સમાન પુરવઠો સુનિશ્ચિત કરાશે. યોજનાની પૂર્ણાહુતિ બાદ સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ધોરણે અંત આવશે તેમ મહાનગરપાલિકાની વોટર વર્કસ અને ડ્રેનેજ શાખાની યાદીમાં જણાવ્યું છે.









