મોરબી શહેરના નહેરુ ગેટ ચોક નજીક આવેલ પીવાના પાણીના પરબને છેલ્લા બે વર્ષથી બંધ રાખવામાં આવ્યો હોવાના મુદ્દે સામાજિક કાર્યકરો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆત વચ્ચે આ પરબ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના નહેરુ ગેટ નજીક શાક માર્કેટ પાસે પી.જી.વી.સી.એલ. ઓફિસની બાજુમાં વર્ષો પહેલા જાહેર જનતાની સુવિધા માટે પીવાના પાણીનો પરબ બનાવવામાં આવ્યો હતો. બાદમાં તેનું રીનોવેશન પણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં છેલ્લા બે વર્ષથી આ પરબ બંધ હાલતમાં હોવાનું જણાવાયું છે. આ વિસ્તાર મોરબી શહેરનો મુખ્ય વ્યાપારી વિસ્તાર હોવાથી અહીં મોટી શાક માર્કેટ તેમજ મેઈન બજાર આવેલ છે, જ્યાં રોજિંદા હજારો લોકો ખરીદી માટે આવે છે. તેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો પણ સમાવેશ થાય છે, જેમને પીવાનું પાણી ખરીદવું મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં જાહેર સુવિધા તરીકે બનાવાયેલ પાણીનો પરબ બંધ રહે તે બાબત પર સામાજિક કાર્યકરોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. આ મુદ્દે સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગિરશભાઈ છબીલભાઈ કોટેચા અને દેવેશ મેરૂભાઈ રાણેવાડિયા સહિતના આગેવાનો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર તેમજ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજુઆતમાં તંત્રને વિનંતી કરવામાં આવી છે કે, ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી પાણીના પરબનું જરૂરી રીનોવેશન અથવા મરામત કરી તેને તાત્કાલિક જાહેર ઉપયોગ માટે શરૂ કરવામાં આવે જેથી શહેરના નાગરિકોને ગરમીમાં પીવાના પાણીની સુવિધા મળી રહે.









