કારખાનાનો ગેટ ટપી ગેરકાયદેસર પ્રવેશ કરતા રોકતા ઉશ્કેરાયેલા શખ્સોએ ધારદાર હથિયારથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી.
મોરબીના ઘુંટુ ગામ નજીક હોલો સેનેટરી ફેક્ટરીમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ચાર ઇસમોને ગેટ ટપીને કારખાનામાં પ્રવેશ કરતા રોકતા જીવલેણ હુમલો કર્યો હતો. ગાર્ડને લાપી ભરવાના ધારદાર પતરાથી પેટમાં ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ચારેય આરોપીઓની અટકાયત કરવા તજવીજ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અરવિંદભાઈ નરભેરામભાઈ રામાવત ઉવ.૪૫ જે હોલો સેનેટરી ફેક્ટરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે, તેઓ ગત તા.૧૭ એપ્રિલના રોજ ગેટ ઉપર હાજર હતા. આ દરમિયાન આરોપી માનવ કાથરાણી, નવાજ કટીયા, શેરમામદ કટીયા, તથા ફૈઝાન મોવર બધા રહે. વીશીપરા ગામ મોરબી વાળા આવ્યા હતા અને કારખાનનો ગેટ બંધ હોવા છતાં ગેટ ટપીને અંદર પ્રવેશ કર્યો જેથી તેઓને ગાર્ડે રોક્યા હતા. તે બાદ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આરોપી માનવ કાથરાણીએ ધારદાર પતરા વડે ગાર્ડના પેટમાં ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. અન્ય ત્રણેય આરોપીઓએ પણ ઢીકાપાટુનો મારમારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઈજાગ્રસ્ત ગાર્ડ બેભાન હાલતમાં સારવારમાં હોય, જેથી ભોગ બનનાર ભા આવતા તેઓની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.









