મોરબીના જૂના ઘુંટુ ગામે નજીવી બોલાચાલી મુદ્દે બે પાડોશી શખ્સો દ્વારા યુવક ઉપર હુમલો કરી લોખંડના પાઇપ વડે માથામાં ગંભીર ઈજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. ઈજાગ્રસ્તને પહેલા મોરબી અને બાદમાં રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને હેમરેજ જેવી ઈજા હોવાનું જણાયું છે. બનાવ અંગે ભોગ બનનારની ફરિયાદને આધારે તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
પ્રઓટ વિગતો મુજબ, મોરબી તાલુકાના જૂના ઘુંટુ ગામે રહેતા મુકેશભાઈ દેવજીભાઈ વોરા ઉવ.૩૪ ઉપર ગત તા.૧૮ એપ્રિલે સાંજે તેમના ઘરમાં બોલાચાલી દરમિયાન પડોશી કિશનભાઈ કમલેશભાઈ બારોટ અને સચીનભાઈ દિનેશભાઈ બારોટે હુમલો કર્યો હતો. આરોપી કિશનભાઈએ લોખંડના પાઇપથી માથામાં ઘા મારી હેમરેજ જેવી ઈજા પહોંચાડી જ્યારે સચીનભાઈએ લાકડાના ધોકાથી શરીરે ઘા મારી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. જેથી ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. હાલ બનાવ અંગે પોલીસે બંન્ને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









