મોરબીના લીલાપર રોડ સ્થિત વિધ્યુત સ્મશાનમાં કચરા-પોતાનું કામ કરતા ૫૨ વર્ષીય મહિલાને ઇલેક્ટ્રિક બોર્ડ અડતા કરંટ લાગ્યો હતો, જેને કારણે તેણીનું મોત નીપજ્યું હતું.
મોરબીમાં લીલાપર રોડ હોથીપીરની દરગાહ પાછળ રહેતા રહેમતબેન ઇસ્માઇલભાઇ જેડા ઉવ.૫૨ લીલાઓર રોડ ખાતે આવેલ વિધ્યુત સ્મશાનમાં કચરા-પોતાનું કામ કરતા હતા. ત્યારે ગઈકાલ તા.૨૪/૦૪ના રોજ બીજા માળે સફાઈ કામગીરી દરમિયાન દિવાલ પાસે આવેલા ઇલેક્ટ્રિક બોર્ડને અડતાં જોરદાર કરંટ લાગ્યો હતો. જેથી તેમને ગંભીર હાલતમાં ૧૦૮ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. પોલીસે બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.





