મોરબી મહાનગર, તાલુકા, જીલ્લા પંચાયતમાં કુલ ૮૫૭ મતદાન મતકો.
મતદાન મથકો ઉપર ગરમીને ધ્યાનમાં રાખતાં છાંયડો, પાણી, ઓ.આર.એસ. પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ.
તા. ૨૬ એપ્રિલ, રવિવારે મોરબી જીલ્લાના મતદાતાઓને મતદાનની અપીલ કરતા જીલ્લા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેક્ટર કે.બી.ઝવેરી તથા એસપી મુકેશકુમાર પટેલ.
મોરબી મહાનગરપાલિકા, ટંકારા, માળીયા અને વાંકાનેર નગરપાલિકા, તાલુકા તથા જીલ્લા પંચાયતની ચૂંટણી માટે તા.૨૬ એપ્રિલ, રવિવારે સવારે ૦૭:૦૦ થી સાંજના ૦૬:૦૦ દરમિયાન મતદાન યોજાનાર છે. ત્યારે આ બાબતે કરાયેલી તૈયારીઓ બાબતે મોરબી જીલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરી અને પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલે પત્રકારોને સંબોધન કર્યું હતું. આ તકે અધિક નિવાસી કલેકટર એસ.જે.ખાચર તથા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી રશ્મિ રાજાવાઢા ઉપસ્થિત રહ્યા હતા.
જીલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકાના ૧૩ વોર્ડમાં ૫૨(બાવન) બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. જીલ્લામાં કુલ ૮૫૭ મતદાન મથકો પર પ્રિસાઇડીંગ ઓફિસર સહિત કુલ ૪૨૮૫ પોલિંગ સ્ટાફ મુકવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં રિઝર્વ સહિત કુલ ૧૯૧૫ ઈવીએમ મશીનનો ઉપયોગ કરાશે. ચૂંટણી અધિકારી તરીકે ૨૧ અધિકારી મુકાયા છે. મોરબી મહાનગર, તાલુકા, જીલ્લા પંચાયતમાં કુલ ૮૫૭ મતદાન મથકો અને ૫૪૪ લોકેશનમાંથી ૨૨૫ મતદાન મથકો અને ૧૬૩ લોકેશન સંવેદનશીલ છે. જીલ્લા પંચાયતની ૨૪ બેઠકો અને તાલુકા પંચાયતની ૯૮ બેઠકો માટે કુલ ૬૦૫ મતદાન મથકો પર ચૂંટણી થશે.
જીલ્લા ચૂંટણી અધિકારીએ મોરબી જીલ્લાના તમામ નાગરિકોને અવશ્ય મતદાન કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, લોકશાહીના પર્વ સમાન આ ચૂંટણીમાં મોરબી મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં ૨૬ એપ્રિલના રોજ મતદાન યોજનાર છે. ત્યારે દરેક મતદાર તેમના મતાધિકારનો ઉપયોગ કરી બંધારણની પવિત્ર ફરજ અદા કરે તે માટે અપીલ કરું છું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જીલ્લાના તમામ મતદાર મથકો પર જરૂરી તમામ આનુસંગિક વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે, પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને મહદ્અંશે તમામ મતદાન મથકો પર વ્હીલચેર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલે જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં મતદાન તથા મતગણતરી સહિત સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને જીલ્લામાં કાયદો અને સુરક્ષા જળવાય તે માટે પોલીસ વિભાગ સતત કાર્યરત છે. જીલ્લામાં ૨૦૦૦ જેટલા પોલીસ કર્મીઓને ચૂંટણી અનુસંધાને વિવિધ ફરજો સોંપવામાં આવી છે. ચૂંટણીની પ્રક્રિયા પર સતત દેખરેખ રાખવા ૫૨ જેટલી સેક્ટર મોબાઈલ પર કાર્યરત છે. કોઈ પણ મતદાન મથકે જ્યારે મતદાર મત આપવા જાય ત્યારે તેને કોઈ અગવડ ન થાય તે માટે તમામ પોલિંગ સ્ટાફની બે તાલીમ થઈ ગઈ છે અને ડિસ્પેચિંગ વખતે ત્રીજી તાલીમ કરવામાં આવશે.
ગરમીને ધ્યાનમાં રાખતા મહાનગરપાલિકા, નગર પાલિકા તેમજ તાલુકા, જીલ્લા પંચાયતમાં તમામ મતદાન મથકો ઉપર પાણી, છાંયડો, વીજળી, પ્રાથમિક સારવાર કીટ, ફર્નિચર રેમ્પ સહિતની સુવિધાઓ રાખવા માટે તમામ ચૂંટણી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ગરમીમાં છાંયડાની વ્યવસ્થા માટે તમામ સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત પીવાના પાણીની અને ઓ.આર.એસ. કીટ તેમજ પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જીલ્લામાં તમામ ઈ.વી.એમ. મતદાન માટે તૈયાર થઈ ગયા છે અને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે.





