મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ પાણીના પ્લાન્ટોની તપાસ દરમિયાન ચાર પ્લાન્ટમાંથી નમૂનાઓ લીધા હતા, જેમાંથી બે પ્લાન્ટના પાણીના નમૂનાઓ અસંતોષકારક આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સત્યમ વોટર, રાજા મિનરલ વોટર, દેવ વોટર સપ્લાય અને સુપર ડીલક્ષ વોટર જેવા ચાર પ્લાન્ટમાંથી પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન નવલખી રોડ પર આવેલ દેવ વોટર સપ્લાય અને સુપર ડીલક્ષ વોટરના નમૂનાઓનું પરિણામ અસંતોષકારક આવતા બંને પ્લાન્ટ સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી છે. સાથે જ, પાણીનું શુદ્ધિકરણ યોગ્ય રીતે ન થાય ત્યાં સુધી કામગીરી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકાએ શહેરના તમામ પાણી પ્લાન્ટ સંચાલકોને ચેતવણી આપી છે કે પાણીની ગુણવત્તા જાળવવામાં કોઈ બેદરકારી રાખવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.





