સુસવાવ સ્મશાન પાસે મળેલા ૮ માસના બાળકના મોત મામલે પોલીસની ઝડપી કાર્યવાહી.
હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે મળેલા અજાણ્યા બાળકના મોતનો ભેદ ઉકેલી પોલીસે બાળકના પિતાને જ આરોપી તરીકે ઝડપી પાડ્યો છે. જેમાં બાળકને અરક્ષિત રીતે ત્યજી દેતા તેનું મોત થયાનું બહાર આવ્યું છે. હાલ હળવદ પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના સુસવાવ ગામના સ્મશાન નજીક તા. ૨ મે ૨૦૨૬ના રોજ આશરે ૮ માસના પુરૂષ બાળકની લાશ મળી આવતાં પોલીસ દ્રારા અ.મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. બાળકની ઓળખ માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરી લાશ કોલ્ડ સ્ટોરેજમાં રાખી હતી. ત્યારે હળવદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ બનાવેલી ટીમોએ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ તપાસના આધારે બાળકના વાલી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તપાસમાં બહાર આવ્યું કે બાળકનો પિતા ભયલુ તેરસીંગ બામણીયા રહે. ભુવેરો તા.ધાનપુર જી.દાહોદ વાળો હાલમાં હળવદ તાલુકાના રાયસંગપુર ગામની સીમમાં મજૂરી કામ કરતો હતો.
જેથી આરોપી પિતાની પુછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી કે તે પોતાની પ્રેમિકાને સાથે લઈને રહેતો હોવાથી પત્ની સાથે મનદુઃખ થયું હતું. આથી નરાધમ પિતાએ બાળક તેની પાસે રાખેલ હોવા છતાં તે ખોરાક લેતો ન હોવાથી તેણે બાળકને મામાના ઘરે મુકવા જાઉં છું કહી સુસવાવ ગામ પાસે બ્રાહ્મણી નદીના કાંઠે અરક્ષિત હાલતમાં બાળકને મૂકી દીધું હતું, જેના કારણે બાળકનું મોત થયું હતું. આ બનાવમાં પોલીસે આરોપી પિતા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ અને ૯૩ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં તેણે અનેક મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી ભગાડી લાવ્યાના બનાવો નોંધાયેલા હતા.





