માથાભારે શખ્સે સિક્યુરિટી ગાર્ડ અને તેના મિત્રને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી.
ટંકારામાં કલ્યાણપર રોડ પર બાંધકામ સાઇટની ઓરડીમાં ઘૂસી એક શખ્સે છરી બતાવી સિક્યુરિટી ગાર્ડ અને તેના મિત્ર સાથે મારકૂટ કરી રોકડ રૂ.૭ હજારની લૂંટ ચલાવી હતી. બનાવ અંગે ભોગ બનનાર દ્વારા ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા કલ્યાણપર રોડ સ્થિત બાંધકામ સાઇટ પર દેખરેખ રાખતા અલ્ફાઝભાઈ બસીરભાઈ લધાણી ઉવ.૨૦ રહે હાલ કલ્યાણપર રોડ મોમીનનગરની બાજુમાં ટંકારા, મૂળ રહે. ગાંધીગ્રામ ધરમનગર આરએમસી ક્વાર્ટર રાજકોટ વાળા અને તેમના મિત્ર હિમાંશુ કાલાણી ગત તા.૦૯/૦૫ના રોજ બાંધકામની સાઈટની ઓરડીમાં હાજર હતા ત્યારે આરોપી હાજીશા ઉર્ફે મુન્નો આતંક ફકીર રહે. ટંકારા કલ્યાણપર રોડ ખારા વિસ્તાર વાળો ત્યાં છરી સાથે ધસી આવ્યો હતો. આરોપીએ હાથમાં છરી રાખી બંનેને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ઢીકાપાટુનો માર મારી ફરિયાદી અલ્ફાઝભાઈના ખિસ્સામાં રહેલા રૂ.૭ હજાર લૂંટી ફરાર થઈ ગયો હતો. બનાવથી ગભરાયેલા ફરિયાદીએ બીજા દિવસે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






