મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાએ નવનિયુક્ત જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન હાલ સર્જાયેલી ડીઝલની અછતના કારણે સિરામિક ઉદ્યોગ પર પડી રહેલી અસર અંગે ચર્ચા કરી જિલ્લા તંત્ર સમક્ષ પૂરતો ડીઝલ જથ્થો ઉપલબ્ધ કરાવવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
મોરબી ખાતે યોજાયેલી આ મુલાકાત દરમિયાન સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાએ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે હાલ મોરબી જિલ્લામાં સર્જાયેલી ડીઝલની અછતને કારણે સિરામિક ઉદ્યોગ સામે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા, જનરેટર સંચાલન તેમજ માલ પરિવહન જેવી કામગીરી ડીઝલ આધારિત હોવાથી અછતના કારણે ઉદ્યોગકારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. સિરામિક ઉદ્યોગની ઉત્પાદન ક્ષમતા અને રોજગારી ઉપર પ્રતિકૂળ અસર ન થાય તે માટે ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન ઉદ્યોગ હિતમાં તાત્કાલિક યોગ્ય પગલાં લેવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.






