Thursday, May 21, 2026
HomeGujaratમોરબી નંદીઘરમાં પશુઓના મોતથી ચકચાર : સામાજિક કાર્યકરોનો તંત્ર સામે આક્રોશ

મોરબી નંદીઘરમાં પશુઓના મોતથી ચકચાર : સામાજિક કાર્યકરોનો તંત્ર સામે આક્રોશ

મોરબી મહાનગરપાલિકાના નંદીઘરમાં ગંભીર બેદરકારી સામે આવી હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકરોએ કમિશ્નર, કલેક્ટર અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાને રજૂઆત કરી છે. નંદીઘરમાં ગાયો અને આખલાઓને યોગ્ય ચારો, પાણી અને સારવાર ન મળતા સતત પશુઓના મોત થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશ રાણેવાડીયા અને ગીરીશભાઈ કોટેચા સહિતના આગેવાનોએ મોરબી મહાનગરપાલિકાના નંદીઘરમાં ઘોર બેદરકારી સામે આવી હોવાનો આક્ષેપ કરી તંત્રને લેખિત રજૂઆત કરી છે. રજૂઆત મુજબ નંદીઘરમાં આશરે 900થી વધુ ગાયો અને આખલાઓ રાખવામાં આવ્યા છે, પરંતુ પૂરતી સંભાળના અભાવે સતત પશુઓના મોત થઈ રહ્યા છે. કાર્યકરોએ દાવો કર્યો કે 18 મેના રોજ 8થી 9 પશુઓના, 19 મેના રોજ 2થી 3 પશુઓના અને 20 મેના રોજ 1 પશુના મોત થયા હતા. સ્થળ મુલાકાત દરમિયાન અનેક ગંભીર ખામીઓ સામે આવી હોવાનું જણાવાયું છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, નંદીઘરમાં ત્રણ અવાડા હોવા છતાં એક અવાડો સંપૂર્ણ બંધ હાલતમાં છે, જ્યારે ચાલુ અવાડાઓમાં ગંદકી અને કચરો ભરાયેલ હોવાથી પશુઓને સ્વચ્છ પાણી મળતું નથી. પશુઓની સંખ્યા સામે પૂરતો ચારો ઉપલબ્ધ કરાવવામાં આવતો નથી તેમજ નિયમિત સફાઈના અભાવે રોગચાળાનો ભય ઉભો થયો છે. નંદીઘરમાં ફરજ પર રહેલા પાંચ કર્મચારીઓમાંથી ત્રણ કાર્યક્ષમ ન હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખાયું છે. વધુમાં વિઝિટ ચોપડીમાં એકપણ પશુચિકિત્સકની નિયમિત મુલાકાત નોંધાઈ ન હોવાનું ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. સામાજિક કાર્યકરોએ તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ, જવાબદાર ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી, પૂરતો સ્ટાફ, સ્વચ્છ પાણી અને ચારો, નિયમિત સફાઈ, પશુચિકિત્સકની ફરજીયાત મુલાકાત તેમજ બોર બનાવવાની માંગ કરી છે. સાથે સતત થતા પશુઓના મોત અંગે જવાબદારી નક્કી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. માંગણીઓ પર યોગ્ય પગલાં નહીં ભરાય તો જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!