રાજકોટ રેન્જ ટીમે વાંકાનેરમાં ખોટી નંબર પ્લેટ લગાવી બુલેટ ચલાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી કપટ અને ઠગાઈના ઇરાદે પોતાના વાહન પર ખોટા નંબરનો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ ડુપ્લિકેટ ટોલનાકું ચલાવવાના ગુનામાં પકડાઈ ચૂકેલા આરોપીને વાંકાનેર સીટી પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ રાજકોટ રેન્જ ટીમ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને ગેરકાયદેસર રીતે પ્રજામાં ધાક જમાવવાના પ્રયાસ કરતા ઇસમોને શોધવા માટે સતત વર્કઆઉટ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વાંકાનેર-મોરબી હાઈવે પર વઘાસિયા ગામ નજીક એક શખ્સ ખોટી નંબર પ્લેટ લગાવેલી બુલેટ સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે રાજકોટ રેન્જ ટીમે વઘાસિયા ગામ નજીક આઈમાતા હોટલના મેદાનમાં વોચ ગોઠવી કાર્યવાહી કરી હતી. જ્યાંથી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના કબ્જાની બુલેટ મોટરસાયકલનો અસલી નંબર GJ-01-UE-9888 હોવાનું સામે આવ્યું હતું, જ્યારે આરોપીએ કપટપૂર્વક ખોટી નંબર પ્લેટ બનાવી GJ-01-UD-9 નંબરનો ઉપયોગ કર્યો હતો. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી તથા બુલેટ મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ માટે વાંકાનેર સીટી પોલીસને સોંપ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અગાઉ ડુપ્લિકેટ ટોલનાકું ચલાવવાના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. રાજકોટ રેન્જ ટીમની આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ચકચાર મચી છે.






