ટંકારામાં વન વિભાગ હસ્તકના વીડી વિસ્તારમાં દેશી બાવળના ઝાડનું ગેરકાયદે કપાણ થયાની ખાનગી બાતમીના આધારે વન વિભાગે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. અને તપાસ દરમિયાન ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કપાણ કરાયેલ લાકડાનો જથ્થો કબજે કરવામાં આવતા વન સંપત્તિને નુકસાન પહોંચાડનારા તત્વો સામે વિભાગે કડક વલણ અપનાવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા.03 જૂન 2026ના રોજ સાંજના સમયે વન વિભાગને ટંકારા ગામના વીડી વિસ્તારમાં દેશી બાવળના વૃક્ષો કાપવામાં આવ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ બાતમીના આધારે નાયબ વન સંરક્ષક, મોરબીની સૂચના અને મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ટીમો બનાવી સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વન વિભાગે તીથવા ગામના રહેવાસી મનોજભાઈ લક્ષ્મણભાઈ સિતાપરા (ઉ.વ. 38) ને ગેરકાયદે કપાણ મામલે ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ અને સ્થળ તપાસ દરમિયાન દેશી બાવળનું આશરે 700 કિલોગ્રામ જલાઉ લાકડું મળી આવ્યું હતું, જેને વન વિભાગે કબજે કરી લીધું હતું. વન વિભાગે આ મામલે મોરબી રેન્જ ગુનો નં. 01/2026-27 હેઠળ કેસ નોંધ્યો છે. ઉપરાંત આરોપી પાસેથી એડવાન્સ રિકવરી પેટે રૂ.10,000ની વસુલાત પણ કરવામાં આવી છે.
વન અધિકારીઓએ જણાવ્યું હતું કે. આરોપી સામે ભારતીય વન અધિનિયમ-1927ની કલમ 26(1)(a) અને 26(1)(b) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિસ્તારોમાં ગેરકાયદે કપાણ અને કુદરતી સંપત્તિના નુકસાન સામે આગામી સમયમાં પણ સઘન ચેકિંગ અને દેખરેખ ચાલુ રાખવામાં આવશે. વન વિભાગની આ ઝડપી કાર્યવાહીના કારણે ગેરકાયદે લાકડાં કપાણમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.






