મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અનોખી પહેલ હાથ ધરી છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરતા તત્વોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી કાયદાનું પાલન કરવા અંગે માર્ગદર્શન અને ચેતવણી આપવામાં આવી હતી.
કચ્છ બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલ તથા મોરબી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ રબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાને અસર પહોંચાડતા અસામાજિક તત્વો સામે જરૂરી કાર્યવાહી કરવા તેમજ તેમને કાયદાની સમજ આપવા સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયાના નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારના એવા ઇસમોને બોલાવવામાં આવ્યા હતા, જેઓ અગાઉ શરીર સંબંધિત ગુનાઓ, મિલકત સંબંધિત ગુનાઓ અથવા પ્રોહિબિશન સંબંધિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહ્યા છે. પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓની વિગતોનો અભ્યાસ કરી તેમને કાયદાનું પાલન કરવાની સમજ આપવામાં આવી હતી. પોલીસે આ તત્વોને “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો” સૂત્ર સાથે સંબોધન કરી ગુનાહિત માર્ગ છોડીને સમાજના જવાબદાર નાગરિક તરીકે જીવન જીવવા પ્રેરિત કર્યા હતા. સાથે જ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી હતી.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર કાર્યવાહી પૂરતો નહીં પરંતુ અસામાજિક તત્વોમાં કાયદા પ્રત્યે જાગૃતિ લાવી ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવાનો હોવાનું પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે. આ પ્રકારના પ્રયાસોથી શહેરમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાનું વાતાવરણ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.






