પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાન અંતર્ગત ભારતીય બનાવટના વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલા એક કુખ્યાત બુટલેગર સામે PASA હેઠળ કાર્યવાહી કરીને તેની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટરના સહયોગથી જાહેર જનતામાં અસામાજિક પ્રવૃત્તિઓ ફેલાવતા તત્વો સામે PASA હેઠળ કાર્યવાહી કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન દરમિયાન માંડવી તાલુકાના દરશડી ગામના રહેવાસી ભાવસંગજી ભગુભા જાડેજા સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી લાંબા સમયથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણ સાથે સંકળાયેલો હતો અને તેના વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. આરોપીના ગુનાહિત ઇતિહાસ અને તેની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા PASA હેઠળની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના સુપરવિઝન હેઠળ તૈયાર કરાયેલી દરખાસ્તના આધારે પશ્ચિમ કચ્છના જિલ્લા મેજિસ્ટ્રેટે આરોપી સામે PASA હેઠળ અટકાયતનો હુકમ કર્યો હતો. ત્યારબાદ એલસીબીની ટીમે આરોપીને શોધી કાઢી કસ્ટડીમાં લીધો અને તેને અમદાવાદ સ્થિત મધ્યસ્થ જેલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ રેકોર્ડ મુજબ ભાવસંગજી જાડેજા સામે ગઢશીશા અને નખત્રાણા પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન એક્ટ હેઠળના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેમાં દારૂના જથ્થા, વેચાણ અને પરિવહન સંબંધિત ગુનાઓ ઉપરાંત જાહેર શાંતિ ભંગ અને કાયદો-વ્યવસ્થાને અસર કરતી પ્રવૃત્તિઓના કેસો પણ સામેલ છે. આરોપી સામે વર્ષ 2023થી 2026 દરમિયાન પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ચારથી વધુ ગુનાઓ નોંધાયા હતા. ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા જાહેર સુરક્ષા સંબંધિત અન્ય કાયદાઓ હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. અનેક વખત કાયદાકીય કાર્યવાહી છતાં આરોપી પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખતો હોવાની વિગતો સામે આવતા અંતે PASA હેઠળ અટકાયતનો નિર્ણય લેવાયો હતો.






