પૂર્વ કચ્છમાં પ્રોહિબિશનના ગુનાઓ સામે પોલીસ તંત્રે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામના બે કુખ્યાત બુટલેગરો સામે PASA (પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ કાર્યવાહી કરીને તેમની અટકાયત કરવામાં આવી છે. બહારના રાજ્યોમાંથી વિદેશી દારૂ મંગાવી તેનો સંગ્રહ અને હેરફેર કરતા બંને આરોપીઓને પકડી અલગ-અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે.
પૂર્વ કચ્છ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તૈયાર કરાયેલી PASA દરખાસ્તને કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ મંજૂરી આપતા કાર્યવાહીનો માર્ગ મોકળો બન્યો હતો. ત્યારબાદ એલસીબીની ટીમે બંને આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ગાંધીધામના ધીરજભાઈ પ્રેમજીભાઈ ધેડા અને વિજય ઉર્ફે વીકી શંકરભાઈ ચંદે લાંબા સમયથી પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા હતા. બંને આરોપીઓ બહારના રાજ્યમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેનું સંગ્રહ, પરિવહન અને વેચાણ કરતા હોવાનું પોલીસ રેકોર્ડમાં નોંધાયું હતું. તેમની સામે અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર પર રોક લગાવવા માટે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન દરમિયાન એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાની દેખરેખ હેઠળ બંને આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિઓનો અભ્યાસ કરી PASA દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. દરખાસ્તમાં આરોપીઓની સતત અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કલેક્ટરે તમામ વિગતો અને ગુનાહિત ઇતિહાસને ધ્યાને લઈ બંને સામે PASA વોરંટ જાહેર કર્યા હતા. PASA હેઠળ અટકાયત કરાયેલા ધીરજભાઈ પ્રેમજીભાઈ ધેડાને અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે વિજય ઉર્ફે વીકી ચંદેને સુરતની લાજપોર જેલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રોહિબિશનના ગુનાઓમાં વારંવાર સંડોવાતા અને જાહેર વ્યવસ્થા માટે જોખમરૂપ બનતા તત્વો સામે આગામી દિવસોમાં પણ PASA સહિતના કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.






