ટંકારા તાલુકાના મેઘપર (ઝાલા) ગામે જમીનની માપણી દરમિયાન કાકા-ભત્રીજાની છરીના ઘા મારી કરાયેલી હત્યાના ચર્ચાસ્પદ કેસમાં ટંકારા પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારા બે સગા ભાઈ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં ૧૦ વર્ષ જૂના જમીન વિવાદને લઈને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે.
મેઘપર (ઝાલા) ગામે ગત ૯ જૂનના રોજ જમીનની માપણી દરમિયાન હર્ષવર્ધનસિંહ ઝાલા ઉવ.૨૨ અને તેમના કાકા જયપાલસિંહ ઝાલા ઉવ.૪૦ ઉપર તીક્ષ્ણ હથિયાર છરીથી હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હતી. બનાવ બાદ આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા મોટરસાયકલ ઉપર ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસની અલગ-અલગ ટીમો રચી તપાસ હાથ ધરવામાં આવી હતી. હ્યુમન સોર્સિસ અને અન્ય માહિતીના આધારે પોલીસે ૧૦ જૂનના રોજ બંને આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી હત્યામાં વપરાયેલી બે છરી, બે મોટરસાયકલ તથા મોબાઈલ ફોન કબજે કર્યા હતા.
ડીવાયએસપી સારડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હત્યાનું મૂળ કારણ જૂનો જમીન વિવાદ હતો. અગાઉ જમીન આરોપીઓની માલિકીની હતી અને બાદમાં તેને અન્યને વેચાણ કરી તેના પાસેથી મરણ જનારે ખરીદ કરી હતી તેવા મૌખિક સોદા થયા હતા. જેને લઈને બંને ભાઈઓ મનદુઃખ રાખતા હતા. ત્યારે હાલ જમીનની માપણી શરૂ થતાં જ જૂના ખારના કારણે બંને આરોપીઓએ કાકા-ભત્રીજા ઉપર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે, આરોપી મહાવીરસિંહ ઝાલા એસટી વિભાગમાં નોકરી કરે છે અને બનાવના દિવસે ફરજ દરમિયાન એસટી બસ મૂકી હત્યાને અંજામ આપવા પહોંચ્યો હતો. હાલ ટંકારા પોલીસે બન્ને આરોપીઓની અટકાયત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






