સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ નાગરિકોને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાના હેતુથી સુરત શહેર પોલીસે છેલ્લા એક મહિનાથી અસામાજિક તત્વો વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન હથિયારો સાથે ફરતા, દારૂ અને ડ્રગ્સના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા, તડીપારના હુકમનો ભંગ કરનારા તેમજ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હજારો ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે ગુનાહિત પ્રવૃતિ કરતા ઇસમો સામે 5 હજારથી વધુ કેસો કરી 80 હજારથી વધુ વાહનોની ચકાસણી કરી છે સાથે જ 13 હજારથી વધુ ઇસમોને ચેક કરી હજારો ઇસમો સામે અટકાયતી પગલાં લીધા અને જાહેર સુરક્ષા માટે કડક સંદેશો આપ્યો હતો.
પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત (IPS)ના સીધા માર્ગદર્શન હેઠળ તા. 15 મે 2026થી 15 જૂન 2026 દરમિયાન સમગ્ર સુરત શહેરમાં આ વિશેષ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવી સંવેદનશીલ વિસ્તારો, બજારો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, જાહેર સ્થળો અને અવાવરુ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઝુંબેશ દરમિયાન ગેરકાયદેસર હથિયારો સાથે ફરતા કુલ 1794 ઇસમો સામે જી.પી. એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. કેફી પીણાં પીધેલા 2168 ઇસમો તથા દારૂના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા 798 ઇસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે અવારનવાર આવી પ્રવૃત્તિ કરતા 419 ઇસમો સામે અટકાયતી પગલાં લેવાયા હતા. ઉપરાંત શરીર અને મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા 4375 ઇસમો, 1046 શંકાસ્પદ વ્યક્તિઓ અને 1280 રીઢા ગુનેગારો સામે BNSS હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. “નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન હેઠળ NDPS એક્ટ મુજબ 40 કેસ નોંધાયા હતા. જાહેરનામાનો ભંગ કરનાર 468 ઇસમો, રસ્તા પર અવરોધરૂપ વાહન પાર્ક કરનાર 532 ઇસમો તથા તડીપારના હુકમનો ભંગ કરનાર 117 ઇસમો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. વાહન ચેકિંગ દરમિયાન 80,115 વાહનોની ચકાસણી કરી 591 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા તેમજ ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂ.6.78 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 208 ઇસમો સામે નશાની હાલતમાં વાહન ચલાવવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેરમાં ચપ્પુ, છરી, તલવાર તથા દેશી બનાવટના હથિયારો સાથે ઝડપાયેલા આશરે 1000 જેટલા ઇસમોને ભેગા કરી કાયદાનું પાલન કરવા અને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા કડક ચેતવણી આપવામાં આવી હતી. સુરત શહેર પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં શાંતિ, સલામતી અને ભયમુક્ત વાતાવરણ જાળવવા માટે આવી ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહેશે.






