મોરબી તાલુકાના ખાખરાળા ગામ પાસે વહેલી સવારે સામસામે આવેલા બે ટ્રકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક ટ્રકના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ચાલક ટ્રકની કેબિનમાં દબાઈ જતા તેનો જમણો પગ કપાઈ ગયો હતો. ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
મોરબી નજીક ખાખરાળા ગામ પાસે આવેલા મંદિર પાસે ગત તા.૨૦ જૂનની વહેલી સવારે ટ્રક નં. જીજે-૨૫-યુ-૫૩૫૭નો ચાલક દીપક વિશ્વનાથ રજક ઉવ.૨૧ રહે. સતના મધ્યપ્રદેશ વાળાએ પોતાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રહ્યો હતો. આ દરમિયાન તેનો ટ્રક સામેથી આવી રહેલા જસનાથ ટ્રાન્સપોર્ટના ટ્રક-ટેલર નં. આરજે-૩૯-જીબી-૧૫૨૮ સાથે અથડાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનો આગળનો ભાગ ટેલરમાં ઘૂસી ગયો હતો અને ચાલક દીપક વિશ્વનાથ રજક કેબિનમાં ફસાઈ ગયો હતો. જેથી ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવતા તેનો જમણો પગ કપાઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. ગંભીર હાલતમાં તેને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તાલુકા પોલીસે મૃતક ટ્રકના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






