મોરબી મહાનગરપાલિકાએ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના હેઠળ સ્ટ્રીટ વેન્ડરો, લારી-ગલ્લાધારકો અને નાના વેપારીઓને ગીરવે વગરની લોન મેળવવા અરજી કરવા અપીલ કરી છે. પાત્ર લાભાર્થીઓ યુસીડી શાખા ખાતે ઓનલાઈન અરજી કરી શકશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ શહેરના સ્ટ્રીટ વેન્ડરો, લારી-ગલ્લાધારકો, શાકભાજી, ફળ, ચા-નાસ્તા, ફાસ્ટફૂડ સહિતના નાના વેપારીઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રૂ.૧૫ હજાર, ત્યારબાદ નિયમિત ચુકવણી બાદ રૂ.૨૫ હજાર અને ત્રીજા તબક્કામાં રૂ.૫૦ હજાર સુધીની ગીરવે વગરની લોન આપવામાં આવશે.
સમયસર હપ્તા ભરનાર લાભાર્થીઓને વ્યાજ સબસિડી, ક્રેડિટ કાર્ડની સુવિધા તેમજ ડિજિટલ વ્યવહારો માટે પ્રોત્સાહનનો લાભ પણ મળશે. ઇચ્છુક લાભાર્થીઓએ આધાર કાર્ડ, મોબાઇલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જરૂરી દસ્તાવેજો સાથે મોરબી મહાનગરપાલિકાની યુસીડી શાખામાં કચેરી સમય દરમિયાન હાજર રહી અરજી કરવા મહાનગરપાલિકાએ અપીલ કરી છે.






