એપાર્ટમેન્ટની બેઠક બાદ શેરીમાં પિતા-પુત્રે ધોકા અને ધારીયાથી હુમલો કર્યો: પ્રૌઢને માથા, હાથ અને પેટમાં ગંભીર ઇજા.
મોરબીમાં રવાપર-ઘુનડા રોડ ઉપર ધર્મભક્તિ સિસાયટીમાં રામપ્રસાદ એપાર્ટમેન્ટમાં પાણી ન આવવાના મુદ્દે યોજાયેલી બેઠકમાં થયેલી બોલાચાલીનો ખાર રાખી પિતા-પુત્રે ૫૭ વર્ષીય પ્રૌઢ પર ધોકા અને ધારીયાથી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં પ્રૌઢને માથામાં ટાંકા, હાથમાં ફ્રેક્ચર અને પેટમાં ગંભીર ઈજા થતા સર્જરી કરવી પડી હતી. હાલ ઇજાગ્રસ્તની ફરિયાદને આધારે એ-ડિવિઝન પોલીસે આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર રવાપર રેસિડેન્સી સામે ધર્મભક્તિ સોસાયટીમાં રામપ્રસાદ નામના એપાર્ટમેન્ટમાં પાણી પૂરતું ન આવવા પ્રશ્ને યોજાયેલી બેઠક દરમિયાન રહેવાસીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ફરિયાદી રમેશભાઈ ત્રિકમજીભાઈ શેરસીયા ઉવ.૫૭ મૂળ પંચાસીયા તા.વાંકાનેરના વતનીએ આરોપી સંજયભાઈ મોતીભાઈ રાજપરાને “પાણી આવશે ત્યારે બધાના ઘરે આવશે” તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. બેઠક પૂર્ણ થયા પછી રાત્રે એપાર્ટમેન્ટની બહાર શેરીમાં ફરિયાદી રમેશભાઈ ચાલીને જતા હોય ત્યારે આરોપી સંજયભાઈ અને તેમના પિતા મોતીભાઈ રાજપરાએ ધોકા અને ધારીયા જેવા હથિયારથી રમેશભાઈ ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં રમેશભાઈને ધોકા વડે માથામાં ત્રણ ઘા તેમજ ધારીયા વડે હાથમાં તેમજ પેટમાં ગંભીર ઈજા પહોચાડી બન્ને આરોપીઓ ફરિયાદીના ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા.
ઇજાગ્રસ્ત રમેશભાઈને ૧૦૮ મારફત પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને પેટના ભાગે ગંભીર ઇજાને લઈને સર્જરી કરવામાં આવી હતી. સમગ્ર બનાવ મામલે ભોગ બનનારની ફરિયાદને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સંજયભાઈ અને મોતીભાઈ રાજપરા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.






