વીજલાઈનના વળતરના નવા નિયમો સામે ખેડૂતોમાં અસંતોષ: આગામી વ્યૂહરચના ઘડવા જેતપરમાં સરપંચો અને ખેડૂતોનું મહાસંમેલન.
વીજલાઈનના વળતરને લઈને સરકારે જાહેર કરેલા નવા નિયમો સામે ખેડૂતોમાં હજુ પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે જેતપર ખેડૂત સમિતિ દ્વારા આંદોલન પાર્ટ-૩ની શરૂઆત કરવામાં આવી છે. આગામી લડતની રણનીતિ ઘડવા જેતપરમાં ૧૨ જીલ્લાના પ્રતિનિધિઓ, સરપંચો અને ખેડૂતોની અગત્યની બેઠક યોજાઈ હતી.
જેતપર ખાતે બુધવાર રાત્રે યોજાયેલી અગત્યની બેઠકમાં મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠા સહિત ૧૨ જીલ્લાના ખેડૂત આગેવાનો અને સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાની સાથે આંદોલન પાર્ટ-૩ના આગામી કાર્યક્રમો, વ્યૂહરચના અને સરકાર સામેની લડતને વધુ વેગ આપવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સરપંચો અને ખેડૂતોની હાજરીથી બેઠકમાં ભારે ઉત્સાહ અને જનસમર્થન જોવા મળી રહ્યું હતું.






