કામ બાબતે મેણાટોણા અને સંતાનથી અલગ કરવાની ધમકી આપનાર સાસુ, જેઠ અને જેઠાણી સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ.
મોરબીના જોધપર નદી ગામે રહેતી ૨૨ વર્ષીય પરિણીતાને સાસરીયાઓ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હોય જેનાથી કંટાળી જઈ પરિણીતાએ ઘાસમાં છાંટવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેણી સારવાર હેઠળ છે, ત્યારે પીડિતાની ફરિયાદને આધારે મોરબી મહિલા પોલીસે આરોપી સાસુ, જેઠ અને જેઠાણી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબીના જોધપર નદી સીમ વિસ્તારમાં રહેતી રજીયાબેન જબારખાન બલોચ ઉવ.૨૨એ મોરબી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેમના ચાર વર્ષના લગ્ન જીવન દરમિયાન સાસુ જરીનાબેન મીરખાન બલોચ, જેઠ રૂસ્તમખાન મીરખાન બલોચ બંને રહે.જોધપર નદી તથા આરોપી જેઠાણી જેનમબેન મહંમદખાન બલોચ રહે.હડમતીયા વાળા સતત કામ બાબતે મેણાટોણા મારતા અને માનસિક ત્રાસ આપતા હતા. સાસરીયાઓએ તેમને કામ ન આવડતું હોવાનું કહી અપમાનિત કર્યા કરતા હતા તેમજ તેમના આઠ માસના પુત્રને ન આપવાની ધમકી પણ આપતા હતા. આ માનસિક ત્રાસથી કંટાળી ફરિયાદી રજીયાબેને ૯ જુલાઈના રોજ ખેતરમાં ઘાસમાં છાંટવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે મોરબી મહિલા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






