મોરબી: વાંકાનેર તાલુકા પોલીસને પ્રોહિબિશનના ગુનાઓ સામે મોટી સફળતા મળી છે. ગુંદાખડા ગામની સીમમાં આવેલી એક વાડીના રહેણાંક મકાનમાં છુપાવી રાખવામાં આવેલ અંગ્રેજી દારૂ અને બીયરનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ 531 પેટી, 14,796 બોટલ/ટીન સહિત રૂ. 29.47 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો મોકલનાર સહિત બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી ચાલી રહી છે. તે દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલને ખાનગી બાતમી મળી હતી કે ગુંદાખડા ગામની સીમમાં નાથાભાઈ હરજીભાઈ વાજાના કબ્જા હેઠળની વાડીમાં આવેલા રહેણાંક મકાનમાં અંગ્રેજી દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો છે.બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક દરોડો પાડતા સ્થળ પરથી નાથાભાઈ હરજીભાઈ વાજા અને અશ્વીનભાઈ નાથાભાઈ વાજાને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન રહેણાંક મકાનમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા.પોલીસે ગ્રીન લેબલ, 8 PM સ્પેશિયલ રેર વ્હિસ્કી, મીડ નાઇટ જામુન વોડકા, આઇકોનિક વ્હાઇટ પ્રાઇમ, વિન્ટેજ જામુન વોડકા તથા કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયર સહિત કુલ 531 પેટી, 14,796 બોટલ/ટીન તેમજ બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 29,47,564નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ કેસમાં પોલીસે ગુંદાખડા ગામના નાથાભાઈ હરજીભાઈ વાજા અને અશ્વીનભાઈ નાથાભાઈ વાજાની ધરપકડ કરી છે. જ્યારે ‘ટકો’ (રાજસ્થાન) અને જિતેશભાઈ ભીમાભાઈ રંગપરા (થાન, સુરેન્દ્રનગર)ને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.
સમગ્ર કાર્યવાહી દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા, પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ, પીએસઆઈ ડી.વી. ખાંભલા તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ જોડાયો હતો.






