સરોડી હાઈસ્કૂલથી ઘરે પરત ફરતી વખતે વણાંક પાસે સર્જાયો અકસ્માત.
વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ નજીક બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં ૧૭ વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેમાં રાજકોટમાં મગજનું ઓપરેશન કરાવ્યા બાદ ઇજાગ્રસ્ત સગીરના કાકાએ અકસ્માત સર્જનાર આરોપી બાઈક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, ચોટીલા તાલુકાના નાળિયેરી ગામે રહેતા પ્રભાતભાઈ ભોજાભાઈ રાઠોડ ઉવ.૩૮એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એકે-૩૪૩૧ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૧૫/૦૭ના રોજ વાંકાનેર તાલુકાના ગુંદાખડા નજીક અકસ્માતના બનાવમાં ફરિયાદી પ્રભાતભાઈનો ભત્રીજો જગદીશ મનસુખભાઈ રાઠોડ ઉવ.૧૭ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએન-૯૦૨૩ લઈને સાંજે સરોડી હાઈસ્કૂલથી ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન સામેથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલ ઉપરોક્ત બાઈક ચાલકના ચાલકે જગદીશને મોટર સાયકલને ટક્કર મારી હતી. અકસ્માતમાં જગદીશને માથામાં ગંભીર ઈજા તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ત્યારે સ્થાનિક લોકોની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વાંકાનેર અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં ખાનગી હોસ્પિટલમાં મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હાલ તેની સારવાર ચાલુ છે. વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદને આધારે આરોપી બાઈક ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.






