કોટડા નાયણી ગામ નજીક નદીના પુલ પરથી પસાર થતી વખતે દુર્ઘટના સર્જાઈ; વરસાદી પાણીના વેગમાં બાપ-દીકરો ગરકાવ.
વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામ નજીક નદીના પુલ પર વરસાદી પાણીના પ્રવાહમાં રિક્ષા તણાઈ જતાં ૩૮ વર્ષીય સીરાજભાઈ ખમીશાભાઈ સંધીનું મોત નીપજ્યું છે. જ્યારે તેમની સાથે રહેલો ચાર વર્ષનો પુત્ર કાસીમ હજુ લાપતા હોવાથી તેની શોધખોળ ચાલુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોટડા નાયણી ગામના નદીના પુલ પાસે આ દુર્ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ સીરાજભાઈ ખમીશાભાઈ સંધી ઉવ.૩૮ રહે. હડાળા ગામનું પાટીયું તા.જી. રાજકોટ વાળા પોતાના ચાર વર્ષના પુત્ર કાસીમ સાથે રિક્ષામાં જઈ રહ્યા હતા. દરમિયાન પુલ ઉપર વરસાદી પાણીનો જોરદાર પ્રવાહ હોવા છતાં રિક્ષા પસાર કરવાનો પ્રયાસ કરતાં રિક્ષા પાણીના વેગમાં તણાઈ ગઈ હતી. ઘટનામાં સીરાજભાઈનું મોત નીપજ્યું હતું અને તેમનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે ચાર વર્ષીય પુત્ર કાસીમની શોધખોળ હજુ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલ મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તજવીજ શરૂ કરી છે.






